NavBharat
Gujarat

ગુજરાતમાં છેલ્લા 4 વર્ષોમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની સંખ્યામાં 2425% નો ઉછાળો

પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની સંખ્યા વર્ષ 2019માં 35,000થી વધીને આજે વર્ષ 2023માં 8.70 લાખ થઈ
*
સમગ્ર રાજ્યમાં 27 લાખથી વધુ ખેડૂતોને ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી માટેની તાલીમ આપવામાં આવી છે
*
તાલીમ કાર્યક્રમો અને વિશિષ્ટ યોજનાઓએ ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીના વિકાસને વેગ આપ્યો
*
ખોરાકની ઉપલબ્ધતા, સુલભતા અને વપરાશ એ દેશના સામાજિક-આર્થિક વિકાસના ત્રણ મહત્વના આધારસ્તંભ છે. ભોજન માટેના પ્રાકૃતિક સ્ત્રોત પહેલેથી જ સંતૃપ્તિ સુધી પહોંચ્યા છે અને સતત વધી રહેલી વસ્તીને કારણે આ સ્ત્રોતો પર બોજો પડી જ રહ્યો છે. પરિણામે વધતી જતી ખાદ્ય માંગને પહોંચી વળવા માટે વૈકલ્પિક માધ્યમો શોધવા એ ખૂબ જ અનિવાર્ય બની ગયું છે. વધતી જતી ખાદ્ય માંગને પૂરી કરવા માટે સૌથી વધુ કાર્યક્ષમ અને ટકાઉ રીતો પૈકી એક છે પ્રાકૃતિક ખેતી. પ્રાકૃતિક ખેતી એ રાસાયણિકમુક્ત પરંપરાગત ખેતપદ્ધતિ છે, જે જમીનના સ્વાસ્થ્યને ટકાવી રાખે છે, ખોરાકમાં પોષક તત્વો જાળવી રાખે છે અને પર્યાવરણમાં સંતુલન જાળવી રાખે છે.

પ્રાકૃતિક ખેતીના મહત્વ વિશે વાત કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, “આજે પ્રાકૃતિક ખેતી એ આત્મનિર્ભરતાનો માર્ગ છે. પ્રાકૃતિક ખેતી જે એક રસાયણમુક્ત ખેતી છે, તે આપણા દેશની શક્તિમાં વધારો કરી શકે છે.” પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવાના વડાપ્રધાનશ્રીના વિઝનને સાકાર કરવા માટે ગુજરાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટેના સમર્પિત પ્રયાસો કર્યા છે.

રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીના સહિયારા પ્રયાસોના પરિણામે રાજ્યમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની ટકાવારી છેલ્લા 4 વર્ષોમાં 2425% થી વધુ વધી છે, એટલે કે વર્ષ 2019માં 35,000 ખેડૂતોથી વધીને ઓગસ્ટ 2023 સુધીમાં રાજ્યમાં 8,71,316 ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના રહેવાસી ખેડૂત રઘુનાથભાઈ જનુભાઈ ભોયાએ સરકાર દ્વારા આયોજિત પ્રાકૃતિક ખેતી સંબંધિત તાલીમ લીધી હતી. તેઓએ સરકારની દેશી ગાયની જાળવણી માટે નિભાવખર્ચ યોજના હેઠળ પોતાની ગાય માટે વાર્ષિક ₹10,800 ની સહાય પણ મેળવી. તેઓ જણાવે છે કે, “પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધા પછી મેં ઘન-જીવામૃત બનાવવા માટે ગાયના છાણનો પાવડર, ગૌમૂત્ર અને અન્ય જૈવિક ઘટકોનો ઉપયોગ કર્યો. હું આ કુદરતી રીતે બનાવેલ ખાતરનો સંગ્રહ કરું છું અને મારા પાક માટે આખા વર્ષ દરમિયાન તેનો ઉપયોગ કરું છું. તેનાથી મારા ખેતરની માટી અને શાકભાજીની ગુણવત્તા જાળવવામાં મદદ મળી છે અને હું વધુ સારી કમાણી કરવા માટે સક્ષમ બન્યો છું.”

ઉલ્લેખનીય છે કે રઘુનાથભાઈને રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2019-20માં અને અન્ય એક પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત જતીનભાઈ જયંતિલાલ કોળીને વર્ષ 2020-21માં શ્રેષ્ઠ ATMA એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓને જિલ્લા કક્ષાએ ₹25,000 નો ચેક પણ એનાયત કરવામાં આવ્યો છે.

સમગ્ર ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે ATMA (એગ્રીકલ્ચર ટેક્નોલોજી મેનેજમેન્ટ એજન્સી) હેઠળ વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે, જેમાંની કેટલીક નીચે મુજબ છે:

1) વર્ષ 2020-21માં શરૂ કરવામાં આવેલી દેશી ગાયની જાળવણી માટે નિભાવખર્ચ યોજના હેઠળ રાજ્ય સરકારે છેલ્લા ત્રણ વર્ષોમાં પ્રાકૃતિક ખેતી કરતા 1.84 લાખ ખેડૂતોને ₹420 કરોડની સહાય પૂરી પાડી છે. આ વર્ષે, રાજ્ય સરકારે આ યોજના માટે ₹203 કરોડ ફાળવ્યા છે.

2) રાજ્યના ખેડૂતોને સશક્ત બનાવવા અને તેમને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત સરકારનો કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓનો વિભાગ સક્રિયપણે વિવિધ તાલીમ કાર્યક્રમો આયોજિત કરે છે. આવી જ એક નોંધપાત્ર પહેલ છે, ક્લસ્ટર બેઝ્ડ એપ્રોચ (જૂથ આધારિત અભિગમ), જેમાં ખેડૂતોને તાલીમ આપવા માટે 10 ગ્રામ પંચાયતો ધરાવતું એક જૂથ એવા 1466 જૂથ બનાવવામાં આવ્યા છે. દરેક જૂથની અંદર, બે નિષ્ણાંતો, એક ટેક્નિકલ માસ્ટર ટ્રેનર અને એક ફાર્મર માસ્ટર ટ્રેનર ખેડૂતોને જ્ઞાન અને કૌશલ્ય પ્રદાન કરે છે. ઓગસ્ટ 2023 સુધીમાં 51,548 તાલીમ સત્રો દ્વારા 13,37,401 ખેડૂતોએ આ કાર્યક્રમનો લાભ લીધો છે. વધુમાં, સરકારે ખેડૂતોની તાલીમને સહયોગ આપવા માટે અન્ય વિવિધ પહેલો અમલી બનાવી છે, જેમાં ATMA યોજના અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા તાલીમ જેવી પહેલોનો સમાવેશ થાય છે. આ પહેલો રાજ્યભરના ખેડૂતોના કૌશલ્ય વિકાસમાં યોગદાન આપે છે. આ સંયુક્ત પ્રયાસો દ્વારા, ગુજરાતમાં 27 લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીની વ્યાપક તાલીમ મેળવી છે, જે તેમને ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ કૃષિ પદ્ધતિઓ અપનાવવા માટે સશક્ત બનાવે છે.

3) ગુજરાત પ્રાકૃતિક કૃષિ બોર્ડ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પ્રવૃત્તિઓ કરે છે જેમ કે તાલીમ, એક્સપોઝર વિઝિટ, કોન્ક્લેવ, વર્કશોપ, મેગા સેમિનાર, કૃષિ મેળા, મોડેલ ફાર્મ વગેરે. રાજ્ય સરકારે નાણાકીય વર્ષ 2023-24માં આવી પ્રવૃત્તિઓ માટે ₹59 કરોડની ફાળવણી કરી છે.

4) રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ખરીફ અને રવિ સિઝન દરમિયાન હેક્ટર દીઠ ₹5000ની સહાય પણ આપે છે. છેલ્લા 2 વર્ષોમાં, 16,188 ખેડૂતોને ₹18.57 કરોડની સહાય ચૂકવવામાં આવી છે.

Related posts

‘બિપરજોય’ વાવાઝોડાના નુકસાનીના અંદાજ માટે કેન્દ્ર સરકારની બે ટીમ ચાર દિવસની ગુજરાત મુલાકાતે

Navbharat

ફેમિલી ડૉકટરની જેમ પરિવારોને પ્રાકૃતિક ખેતી કરતા ફેમિલી ફાર્મર માટે આહ્વાન કરતા રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

Navbharat

ગિફ્ટ સિટીમાં ગાંધીનગરનું સૌપ્રથમ ઇન્ટરનેશનલ ફૂડ પાર્ક બનશે

Navbharat