થરાદ શિવનગરની 1000 નિરક્ષર બહેનોની ભરત-ગુંથણની કળાએ દેશના સીમાડા વટાવ્યા
(માહિતી બ્યુરો, પાલનપુર)
ગાંધીનગર પધારેલા દેશના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે થરાદના શિવનગરની બહેનોએ બનાવેલી સાડી ઓઢાડી તેમનું સ્વાગત કર્યુ હતું.
થરાદના શિવનગરમાં વર્ષો પહેલાં પાકિસ્તાનના નગરપારકર વિસ્તારમાંથી આવીને વસેલા મેઘવાળ સમાજની 1000 નિરક્ષર બહેનો પોતાના હાથે મશીન વગર ભરત ગુંથણ કરી રહ્યા છે. જેમની આ કળાએ દેશના સીમાડા વટાવ્યા છે. આ બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલી સાડી ગાંધીનગરમાં પધારેલા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુને ગુજરાતના મુખ્યમંત્રીએ ઓઢાડી હતી.
પાકિસ્તાનના નગરપારકર વિસ્તારમાંથી વર્ષો પહેલા આવીને થરાદના શિવનગરમાં વસેલા મેઘવાળ સમાજની નિરક્ષર બહેનો એમના વંશજોની પરંપરાગત ભરત ગુંથણની કળાને સાચવી રહી છે. આ અંગે કલા સખી મંડળના પ્રમુખ શ્રીમતી કલાવતીબેન રાઠોડે જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ અમને કહ્યું હતું કે, આપણા દેશના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુ ગાંધીનગર આવી રહ્યા છે તેમના માટે ભરત ભરેલી સાડી જોઈએ છે. આથી અમારી બહેનો દ્વારા હાથથી ભરેલી સાડી અમે ત્યાં લઈને ગયા હતા. જે સાડી ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુને ઓઢાડી હતી.
શ્રીમતી કલાવતીબેને વધુમાં જણાવ્યું હતું કે, ભરત ગુંથણમાં બહેનો આગવી કોઠા સુઝ ધરાવે છે. કોઈપણ મશીનના ઉપયોગ વગર માત્ર સોય અને દોરાથી તાણા વાણા ગણીને તૈયાર કપડા ઉપર ડિઝાઇન બનાવવામાં આવે છે. જેમાં બુટા, લેર, ફળી અને ખારેક ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે.
બોક્ષ: રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ 15 એવોર્ડ મળ્યા
શ્રીમતી કલાવતીબેન રાઠોડે જણાવ્યું કે, બનાસકાંઠાનોની આ કળા ઉદ્યોગ દેશ અને વિદેશમાં વખણાઇ રહ્યો છે. અત્યાર સુધીમાં રાષ્ટ્રીય અને આંતરિક રાષ્ટ્રીય કક્ષાએ 15 એવોર્ડ મળી ચૂક્યા છે. ભુજની પ્રખ્યાત સંસ્થા દ્વારા અમારી બહેનો પાસે ભરતગુંથણ કરાવવામાં આવી રહ્યું છે.
બોક્ષ: યુવતી આણાની પેટીમાં જાતે જ ગુંથેલા કપડાં લઈ જાય છે
શિવનગરમાં વસવાટ કરતા પરિવારની યુવતીઓ 12 વર્ષની હોય ત્યારથી તેમના લગ્ન માટેના કપડા ઉપર ભરત ગુંથણનું કામ શરૂ કરે છે. તેમના લગ્ન થયા પછી આણાની પેટીમાં આ કપડાં ભરવામાં આવે છે. સાડી થી લઈને જીવન જરૂરીયાતના બધા જ કપડાં ભરત ગુંથણ કરેલા હોય છે. જેની કિંમત 4 થી 5 લાખની થાય છે.