મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા તથા “ખાદી ફોર નેશન – ખાદી ફોર ફેશન” મૂવમેન્ટને વેગ આપવા આજે ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુતે પાટનગર યોજના ભવન, સેક્ટર ૧૬, ગાંધીનગર ખાતેથી ખાદીની ખરીદી કરી હતી.
ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુતે ‘ખાદી’ આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે પ્રેરણાસ્ત્રોત બનશે તેમ જણાવી કહ્યું કે, લોકલ ફોર વોકલની પ્રેરણા આપનાર દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ખાદીના પ્રચાર માટે તેઓએ સ્વયં ખાદીની ખરીદી કરવાની નવીન પહેલ હાથ ધરી હતી જેના પરિણામે આજે દેશમાં ખાદીના વેચાણમાં ચાર ગણો અને ગુજરાતમાં આઠ ગણો વધારો થયો છે.
મંત્રી શ્રી રાજપુતે ઉમેર્યું કે, રાજ્યમાં ખાદીનું વેચાણ વધવાથી ૨૩૦ જેટલી માન્ય ખાદી સંસ્થા-મંડળીઓમાં રોજગારી વધી છે. છેલ્લા આઠ વર્ષમાં દેશમાં અંદાજે ૧ કરોડ ૭૫ લાખ નવી રોજગારીનું સર્જન થયું છે. ખાદીને ‘લોકલથી ગ્લોબલ’ માર્કેટ આપવાની દિશામાં દેશ આગળ વધ્યો છે.
દેશમાં રોજગારીનું સર્જન થાય, નાગરિકો સ્વદેશી વસ્તુઓ અપનાવવા પ્રેરિત થાય તે હેતુથી સૌ નાગરિકોને સામૂહિક ખાદી ખરીદવા તથા પહેરવા ઉદ્યોગમંત્રીશ્રીએ આહવાન કર્યુ હતું. રાજ્યમાં આજથી ૩૧ ડિસેમ્બર સુધી ખાદીના વેચાણ પર ૨૦ ટકાનું વળતર આપવામાં આવશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
આ પ્રસંગે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એસ.જે.હૈદર સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.