NavBharat
Education

એકતાનગર ટેન્ટસિટી-૨ ખાતે “રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 ના અમલીકરણ અંગે વેસ્ટર્ન ઝોનના વાઇસ ચાન્સેલર્સની કોન્ફરન્સ” યોજાશે

નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત ટેન્ટ સિટી-૨ ખાતે તા.૨૬મી ઑક્ટોબર, ૨૦૨૩ના રોજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦ના અમલીકરણ અંગેની કોન્ફરન્સ યોજાનાર છે, જેનું મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સવારે ૯-૩૦ કલાકે ઉદ્ઘાટન કરાશે. ૧૦મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS)-૨૦૨૪ના ભાગરૂપે એક પ્રિ-સમિટ તરીકે, આ એક દિવસીય કોન્ફરન્સનું શાનદાર આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રીશ્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ ઉપસ્થિત રહેશે. આ કોન્ફરન્સનું આયોજન VGGS- ૨૦૨૪ના પૂર્વાર્ધરૂપે સર્વસમાવેશક વિકાસની સાથે શિક્ષણને પ્રોત્સાહન–બળ આપવા માટે આયોજન કરવામાં આવ્યું છે. કોન્ફરન્સના પ્રારંભના આગલા દિવસે તા.૨૫મી ઓક્ટોબરના રોજ સાંજે ૬.૩૦થી ૭.૩૦ દરમ્યાન સાંસ્કૃતિક કાર્યક્રમ વિવિધ સાંસ્કૃતિક ગરબા-પ્રાચીન અર્વાચીન, ટીમલી અને ટ્રેડીશનલ રાસ પ્રસ્તુત કરાશે.

દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા VGGS-૨૦૨૪ પહેલાં દેશના ટકાઉ વિકાસ માટે જરૂરી મુખ્ય ક્ષેત્રોનો સમાવેશ કરવા પૂર્વ-સમિટ-પ્રદર્શન સેમિનાર અને કાર્યક્રમોની શૃંખલા યોજવાનું આયોજન કર્યું છે. જેના ભાગરૂપે એકતાનગર ખાતે આ પ્રિ-ઈવેન્ટમાં ગુજરાત, મહારાષ્ટ્ર, દમણ અને દીવ, ગોવા અને દાદરા અને નગર હવેલીના ૪૦૦થી વધુ મહાનુભાવો (વાઈસ ચાન્સેલર્સ અને NEP કોઓર્ડિનેટર્સ) કોન્ફરન્સમાં ભાગ લઈ તેના સરળ અમલીકર અંગે વિવિધ સત્રોમાં સહભાગી બની ગહન ચિંતન-ચર્ચા-વિચારણા કરશે. અને એક રોડમેપ તૈયાર કરવામાં આવશે.

આ એકદિવસિય કોન્ફરન્સમાં ગુજરાતના આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ માટેના રાજ્યકક્ષાના મંત્રીશ્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયા પણ આ કાર્યક્રમમાં સહભાગી થઈ રહ્યા છે. આ સાથે જ, ભારત સરકારના યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી)ના અધ્યક્ષ પ્રો. એમ. જગદીશ કુમાર અને AICTEના અધ્યક્ષ પ્રો. ટી. જી. સીથારામ જેવા મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. સરકારી અને પ્રાઈવેટ યુનિવર્સિટીના વી.સી. અને રજીસ્ટ્રાર પણ આમાં ભાગ લઈ રહ્યા છે.

આ કાર્યક્રમમાં સહભાગી થનારા મહાનુભાવો એક્સેસ ટુ ક્વૉલિટી એજ્યુકેશન એન્ડ ગવર્નન્સ- હાયર એજ્યુકેશન (ગુણવત્તાયુક્ત શિક્ષણની ઍક્સેસ અને શાસન – ઉચ્ચ શિક્ષણ), ઇક્વિટેબલ એન્ડ ઇન્ક્લુઝીવ એજ્યુકેશન- ઈશ્યુઝ ઓફ સોશિયો-ઇકોનોમિકલી ડિસએડવાન્ટેજ્ડ ગ્રુપ (સમાન અને સમાવિષ્ટ શિક્ષણ – સામાજિક-આર્થિક રીતે વંચિત જૂથના મુદ્દાઓ), ક્રિએટીંગ સિનર્જી બિટવીન એજ્યુકેશન એન્ડ સ્કિલીંગ ફ્યુચર ઓફ વર્ક ફોર્સ (કાર્યબળના શિક્ષણ અને કૌશલ્ય ભવિષ્ય વચ્ચે સમન્વયનું નિર્માણ), હોલિસ્ટીક એજ્યુકેશન થ્રુ ઈન્ટીન્ગ્રેશન ઓફ સ્કિલીંગ, ઈન્ડસ્ટ્રી કનેક્ટ એન્ડ એમ્પલોયેબિલીટી (કૌશલ્ય, ઉદ્યોગ જોડાણ અને રોજગાર ક્ષમતાના એકીકરણ દ્વારા સર્વગ્રાહી શિક્ષણ), ઈનોવેશન એન્ડ એન્ટ્રપ્રન્યોરશીપ (નવીનીકરણ અને ઉદ્યોગસાહસિકતા), રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (સંશોધન અને વિકાસ), ઈન્ટરનેશનલાઈઝેશન ઓફ એજ્યુકેશન (શિક્ષણનું આંતરરાષ્ટ્રીયકરણ), ઈન્ડિયન નોલેજ સિસ્ટમ (ભારતીય જ્ઞાન પ્રણાલી) જેવા વિષયો પર ચાર સેશનમાં સવારે ૧૦-૪૫થી સાંજે ૫-૧૫ દરમિયાન ચર્ચાઓ કરશે.

આ કોન્ફરન્સ રાષ્ટ્રીય શિક્ષણનીતિ ૨૦૨૦(NEP-2020) ના વિવિધ પાસાંઓ જેમકે અમલીકરણ વ્યૂહરચનાઓ, બેસ્ટ પ્રેક્ટિસીસ અને સાફલ્યગાથાઓનું પ્રમોશન કરવું, તેના પર ધ્યાન કેન્દ્રિત કરશે. જેમાં વિવિધ ચાર જેટલા ટેકનિકલ સેશન ઉપર પેનલ ડિસ્કશન પણ રાખવામાં આવ્યું છે. જેનો હેતુ ભારતીય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને શિક્ષણ નીતિના વિઝન અને ઉદ્દેશ્યો સાથે સુસંગત એવું ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવામાં માર્ગદર્શન આપવાનો છે. આ અવસરે IIM-અમદાવાદ, IIT-દિલ્હી, IIM બોધગયા, આંધ્ર પ્રદેશની સેન્ટ્રલ ટ્રાઇબલ યુનિવર્સિટી, નવી દિલ્હીની જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી સહિતની દેશની ટોચની યુનિવર્સિટીઓ સહિત દેશભરના નિષ્ણાંત વક્તાઓ ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં પોતાના મંતવ્યો રજૂ કરશે. અને પ્રેરક માર્ગદર્શન પુરૂં પાડશે.

એકતાનગરના આંગણે આયોજિત આ કોન્ફરન્સના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા સહાય પુરી પાડતા ૨૦ જુદા જુદા સ્ટાર્ટઅપ્સ એક્ઝિબિશન સ્ટોલ પ્રદર્શન પણ રાખવામાં આવેલ છે. દરેક સ્ટાર્ટઅપ એક્ઝિબિશન સ્ટોલ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ના સાથે સંકળાયેલા જુદા જુદા વિષયો ઇન્ડીયન નોલેજ સીસ્ટમ (IKS), ડીજીટલ એજ્યુકેશન, કૃષિ, આરોગ્ય, ટેકનોલોજી, પર્યાવરણ, કારકિર્દી વગેરે મુજબ ગોઠવવામાં આવ્યા છે. આ સમગ્ર સ્ટોલ-પ્રદર્શનની ગોઠવણ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે. અને તેમાં એમ.એસ.યુનિ.અને રાજ્યની અન્ય યુનિવર્સિટી પણ સહભાગી થઈને કાર્ય કરી રહી છે.

કોન્ફરન્સમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, દિવ-દમણ અને દાદરાનગર હવેલી વગેરે છ રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશોની વિવિધ યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓ, NEP-કોઓર્ડીનેટર્સ ઉપસ્થિત રહેનાર હોય તા.૨૫મી ઓક્ટોબરની રાત્રે યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતની સાંસ્કૃતિક કલાની ઝાંખી કરાવતી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ પ્રસ્તુત કરી મહેમાનોનું સ્વાગત સત્કાર કરવામાં આવનાર છે. અને આ સેમિનારમાં ભાગ લેનાર મહાનુભાવો સેમિનાર પૂર્ણ થયે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને લેશર શો અને એકતાનગર ખાતે આવેલા વિવિધ પ્રકલ્પોનું અને પ્રાકૃતિક સૌંદર્યને પણ નજરે નિહાળશે.

Related posts

એક્સેલ શોર્ટકટ્સ કે જે તમારે 2023 માં જાણવું જોઈએ

Navbharat

SEED પરીક્ષાની તારીખમાં થયો સુધારો, હવે આ દિવસે લેવાશે પરીક્ષા, જાણો નવી તારીખ, ફી અને યોગ્યતા વિશે

Navbharat

અટલ ઈન્ક્યુબેશન સેન્ટર-રક્ષાશક્તિ સ્કૂલ-નેશનલ આઈ.ઈ.ડી. ડેટા મેનેજમેન્ટ સિસ્ટમ-અગ્નિવીર તાલીમ

Navbharat