રાજ્યકક્ષાના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદ જિલ્લા કક્ષાના ૭૪મા વન મહોત્સવની ઉજવણી દસ્ક્રોઇ તાલુકાના પીરાણા ગામમાં આવેલા ગુરુકુળ વિદ્યાવિહાર ખાતે કરવામાં આવી હતી. આ અવસરે પ્રેરણાતીર્થ ધામના પ.પૂ જગતગુરુ સંત પંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વરદાસજી મહારાજ પણ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
૭૪મા વન મહોત્સવના અવસરે રાજ્યકક્ષાના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યુ હતું કે, આજે ૭૪મા વન મહોત્સવ ઉજવણી આપણે એક પવિત્ર જગ્યા પર કરી રહ્યા છીએ, ત્યારે આપણે સૌએ એક સંકલ્પ લેવાની પણ જરૂર છે કે આપણે આજે જે છોડ વાવી રહ્યા છીએ તેને દત્તક લઇને તેનું જનત કરીએ, એ આપણા સૌની એક નૈતિક જવાબદારી પણ છે. આ સાથે રાજ્યના દરેક નાગરિકે એક છોડનું વાવેતર કરીને તેને દત્તક લઇને તેના જતનની નૈતિક જવાબદારી પણ લેવી જોઇએ, જેનાથી આપણે ક્લાયમેન્ટ ચેન્જને કારણે થતી અસરોને ઘટાડવામાં સહભાગી થઈ શકીશું.
અમદાવાદ જિલ્લા કક્ષાના ૭૪મા વનમહોત્સવ અંતર્ગત અમદાવાદ ખાતે અડધા હેકટર વિસ્તારમાં બ્લોક તેમજ બાઉન્ડ્રીમાં વડના ૧૦૮ રોપા તથા અન્ય જાતના ૫૦૦ રોપાઓ મળી કુલ ૬૦૦થી વધુ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ સાથે વૃક્ષ રથનો ૧ રૂટ બનાવી ૮ ગામોનો સમાવેશ કરી વિવિધ જાતના ૫૦૦૦ રોપાનું વિતરણ કરવાનું આયોજન પણ સમાજિક વન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.
આ અવસરે મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા તૈયાર કરાયેલા વૃક્ષ રથને લીલી ઝંડી આપીને પ્રસ્થાન પણ કરાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ૭૪મા વન મહોત્સવ અંતર્ગત અમદાવાદ જિલ્લાના ૧૦ તાલુકા કક્ષાના વન મહોત્સવ, ૩૨૫ ગ્રામ્ય કક્ષા વન મહોત્સવ તેમજ ૧૦ તાલુકાઓમાં વૃક્ષ રથ થકી ૩૮ રૂટ બનાવી ૪૫૯ ગામો આવરી લઈ વાવેતર અને વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે.
૭૪મા વન મહોત્સવના અવસરે સામાજિક વનીકરણ વિભાગ અમદાવાદ દ્વારા જિલ્લામાં પર્યાવરણ પ્રત્યે કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન તેમજ સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
લાભાર્થીઓની વાત કરીએ તો, અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના રેખાબહેન સંજયભાઈ રાઠોડ દ્વારા ચાલું વર્ષે રોપ ઉછેરની ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ વન વિભાગ તરફથી મહિલા નર્સરી અંતર્ગત રૂ. ૨૪,૬૨૮ની સહાય આપવામાં આવી છે. અન્ય લાભાર્થી સાણંદ તાલુકાના રંજનબહેન સંજયભાઈ મકવાણા દ્વારા ચાલુ વર્ષે રોપ ઉછેરની ઉત્કૃષ્ટ કામગીરી માટે વન વિભાગ તરફથી મહિલા નર્સરી અંતર્ગત રૂ. ૪૯,૫૬૯ની સહાય ચૂકવવામાં આવી છે.
આ સિવાય દસકોઈ તાલુકાના રમીલાબહેન નરેન્દ્રભાઈ સોલંકી અને ભાવનાબહેન ગૌતમભાઈ સોલંકી બળતણ બચાવ અને સ્વાસ્થ્ય સુધારણા તેમજ સ્વચ્છતા અભિયાન સંલગ્ન પ્રવૃત્તિમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ વન વિભાગ તરફથી વિનામૂલ્યે કુટુંબદીઠ ચૂલા આપવામાં આવ્યા છે.
જ્યારે દેત્રોજ તાલુકાના મનીષભાઈ હરિભાઈ પટેલે પોતાની જમીનમાં ચાલું વર્ષે ૬,૦૦૦ નીલગીરીનું વાવેતર કર્યું છે. તેઓની આ ઉત્કૃષ્ટ કામગીરી માટે વન વિભાગ તરફથી સાલ તથા મોમેન્ટો આપની સન્માનિત કરવામાં આવ્યા હતા. બાવળા તાલુકાના ઇશ્વરભાઇ ભરતભાઈ પઢાર દ્વારા ધી પઢાર પછાત વર્ગ સામુદાયિક સહકારી ખેતી મંડળી અંતર્ગત ૮,૦૦૦થી વધારે વૃક્ષો ઉછેરી પર્યાવરણી જાળવણી કરવા માટે વન વિભાગ તરફથી સાલ અને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
ધોળકા તાલુકાના હેમલ જહાંનારા શાહે લોલીયા ગામે છેલ્લાં બે વર્ષમાં ૧૦,૦૦૦થી વધારે વૃક્ષો વાવી તેનો ઉછેર કરવા બદલ તેમજ સાણંદ તાલુકાના સલીમ ખાન વઝીર ખાન કુરેશીને છારોડી ગામના તળાવ ખાતે ગામના રસ્તાની બંને બાજુ તથા ગામ પંચાયતની પડતર જમીન ઉપર ૩૦૦૦ જેટલા રોપાનું વાવેતર કરી ગામને હરિયાળુ બનાવવાની ઉત્કૃષ્ટ કામગીરી કરી તે બદલ સાલ અને મોમેન્ટો આપને સન્માનિત કરવામાં આવ્યા હતા.
સાણંદ તાલુકાના માનવસેવા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટને સાણંદ તાલુકાની વિવિધ પડતર જમીન ઉપર ૨૦,૦૦૦થી વધુ સીડ્સ બોલ તથા અન્ય જમીનમાં રોજ ઉછેરની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.
અમદાવાદ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણીમાં સર્વે ધારાસભ્ય શ્રીઓ, રાજકીય અગ્રણી શ્રી હર્ષદગીરી ગોસ્વામી તેમજ સામાજિક વનીકરણ વિભાગના અધિકારી અને પદાધિકારીશ્રીઓ, પ્રેરણાતીર્થ ધામના ટ્રસ્ટીશ્રીઓ અને ગુરુકુળ વિદ્યાવિહારના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
બોક્સ મેટર – ૭૪મા વન મહોત્સવ અંતર્ગત ગુરુકુલના વિદ્યાર્થીઓની એક નવતર પહેલ
૭૪મા વન મહોત્સવ અંતર્ગત ૬૦૦થી વધુ રોપાઓનું જે વાવેતર થયું તેના ઉછેરની તમામ જવાબદારી ગુરુકુળ વિદ્યાવિહાર દ્વારા સ્વિકારીને ગુરુકળના દરેક વિદ્યાર્થીઓને એક-એક છોડની જવાબદારી સોંપવામાં આવી છે. હવે એ વિદ્યાર્થી પોતાની નૈતિક જવાબદારી સમજીને એ છોડનો ઉછેર કરશે. વિદ્યાર્થીઓ પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય એ ઉદ્દેશ સાથે ગુરુકુળ વિદ્યાવિહાર દ્વારા આ પહેલ કરવામાં આવી છે.